રાજ્યની સરકારી પ્રા.શાળાઓમાં ધો.૧ થી પ માં માત્ર પી.ટી.સી. લાયકાત ધરાવતા પ્રા.શિક્ષકો અભ્યાસ કરાવી શકે છે પરંતુ અનેક સરકારી શાળાઓમાં શિક્ષકોની વધ પડતાં આવા પ્રા.શિક્ષકોને ધો.૬ થી ૮ ની અપર પ્રાથમિક શાળાઓમાં મૂકાતાં હાઈકોર્ટમાં પહોંચેલા એક અરજદારની પીટીશનમાં કોર્ટે શિક્ષણ વિભાગની કામગીરી સામે લાલ આંખ કરી બાળકોના શિક્ષણને જોખમમાં મૂકી રહ્યાની ટકોર કરી છે. અરવલ્લીની સરકારી પ્રા.શાળાઓમાંથી ધો.૧ થી પ ના ૩પ૪ પ્રા.શિક્ષકોને ધો.૬ થી ૮ ની શાળાઓમાં મૂકી શિક્ષણની જવાબદારી સોંપવામાં આવી છે.
સરકારી પ્રા.શાળાઓમાં ધો.૧ થી પ માં વિદ્યાર્થી સંખ્યા ઘટતાં વધમાં પડેલા પ્રા.શિક્ષકોને પ્રા.શિક્ષણ નિયામક કચેરી-ગાંધીનગરના આદેશ મુજબ ધો.૬ થી ૮ ની પ્રા.શાળાઓમાં સીનીયોરીટી મુજબ બદલી કેમ્પ યોજીને મૂકવામાં આવ્યા હતા. અરવલ્લી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ અન્યાય થયો છે તેવી લાગણી અનુભવી તેમના એડવોકેટ મારફતે પ૬ પ્રા.શિક્ષકોએ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા હાઈકોર્ટના આદેશ પછી કેટલાક પ્રાથમિક શિક્ષકો ઓનલાઈન શાળામાં હાજર થયા, તેમના પગાર શરૂ થઈ ગયા છે પરંતુ તે શિક્ષકો અન્યાય થયો છે. તેમને છેલ્લા ૪ મહિનાથી પગાર ચૂકવાયો નથી. જેથી શિક્ષક પરિવારની આર્થિક હાલત વધુ કમજોર બની છે. ગત રોજ ગુજરાત હાઈકોર્ટમાં અરજી અંગે સુનાવણી ચાલતી હતી જેમાં ધો.૧ થી પ ના શિક્ષકો ધો.૬ થી ૮ માં કેવી રીતે ભણાવી શકે.?તેમની પાસે ધો.૬ થી ૮ માં ભણાવવાની લાયકાત નથી તેવી પણ કોર્ટે ટકોર કરીને પ્રાથમિક શિક્ષણ વિભાગના ડિરેક્ટર સામે પણ પગલાં ભરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અરવલ્લીના ૬ તાલુકાના ૩પ૪ પ્રા.શિક્ષકો ધો.૧ થી પ માં વધમાં પડયા પછી સીનીયોરીટી પ્રમાણે નજીકની શાળા તેમજ ક્યાંય જગ્યા ન હોય તો અન્ય તાલુકા ફેર બદલી કરી તેમને હાજર થવા માટે ફરમાન કરવામાં આવ્યું હતું.
વિભાગ આદેશ કરશે તેને અનુસરીશું – નાયબ ડી.પી.ઓ.
જિલ્લા નાયબ ડી.પી.ઓ. સમીરભાઈ પટેલે જણાવ્યું કે રાજ્ય પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા જે આદેશ આપવામાં આવ્યા તે પ્રમાણે કેમ્પ યોજી ધો.૧ થી પ શાળામાં વધમાં પડેલા શિક્ષકોને ધો.૬ થી ૮ ની શાળામાં મૂકવામાં આવ્યા છે. કોર્ટની ટકોર પછી પ્રા.શિક્ષણ વિભાગ આ અંગે જે આદેશ કરશે તે આદેશને પણ હવે અનુસરીશું.
ધોરણ ૬થી ૮માં તાલીમી સ્નાતક શિક્ષકોની નિયુક્તિ
રાજ્યના પ્રા.શિક્ષણ વિભાગ દ્વારા ધો.૬ થી ૮ માં ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે તાલીમી સ્નાતક બી.એ., બી.એસ.સી., બી.એડ્. અને ટેટ પરીક્ષા પાસ હોય તેવા ઉમેદવારોની મેરીટના ધોરણે પસંદગી કરી છે પરંતુ ધો.૬ થી ૮ માં હજારો શિક્ષકોની ઘટ છે જેમાં ધો.૧ થી પ ના પી.ટી. શિક્ષકોને નિયુક્તિ આપીને વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.