માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોના પડતર પ્રશ્નોની ચર્ચા માટે મીટિંગ થઈ.

ગુજરાત રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકોના પડતર પ્રશ્નોની ચર્ચા માટે સોમવારના રોજ ગાંધીનગર ખાતે મહાસંઘના હોદ્દેદારોની શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે મીટિંગ થઈ હતી.શિક્ષણ વિભાગના અધિકારીઓ અને શૈક્ષિક મહાસંઘની મીટિંગમાં શિક્ષકોના પડતર પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી, 10 દિવસમાં નિરાકરણની ખાતરી આપવામાં આવી.બાંહેધરી મળી હોવા છતાં મહાસંઘ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે જ્યાં સુધી પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે, ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે. આ મીટિંગમાં શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા પ્રશ્નોનો 20મી ઓગસ્ટ સુધીમાં ઉકેલ લાવવાની બાંહેધરી આપવામાં આવી હતી.

પ્રાપ્ત જાણકારી અનુસાર, રાષ્ટ્રીય શિક્ષક સંઘ દ્વારા શરુ કરવામાં આવેલા સોશિયલ મીડિયા અભિયાનના પગલે કમાન્ડ એન્ડ કંટ્રોલ ખાતે વિવિધ અધિકારીઓ અને મહાસંઘના હોદ્દેદારોની એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યુ હતું.રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના મહામંત્રી આર.પી.પટેલે જણાવ્યું કે, ચર્ચામાં જણાવવામાં આવ્યું છે કે મોટા ભાગના પ્રશ્નોનો ઉકેલ આવી જશે.મહાસંઘ દ્વારા મીટિંગમાં માંગણી કરવામાં આવી છે કે હંગામી વર્ગ વધારા માટે પ્રવાસી શિક્ષકોની વ્યવસ્થા વહેલીતકે કરવામાં આવે. મીટિંગમાં શિક્ષકોના પ્રશ્નોની સાથે સાથે શિક્ષણની ગુણવત્તા સુધારવા તેમજ કમાન્ડ એન્ડ કંટ્રોલની માહિતી આપવામાં આવી હતી. સ્કૂલ ઓફ એક્સલન્સની પણ માહિતી આપવામાં આવી હતી. પરંતુ અમે આંદોલન ચાલુ રાખવાનું નક્કી કર્યું છે. કોર કમિટીની બેઠક કરીને આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે. આ મીટિંગમાં બાંહેધરી આપવામાં આવી હતી કે શિક્ષણ વિભાગને લગતા તમામ પ્રશ્નોનું 20 ઓગસ્ટ સુધીમાં નિરાકરણ આવી જાય તેવા પ્રયાસો કરવામાં આવશે. શિક્ષણ વિભાગમાં ભરતીની સમસ્યાનો વહેલીતકે ઉકેલ લાવવાની ખાતરી આપવામાં આવી છે.

આ સિવાય શિક્ષકોના નાણાં વિભાગને લગતા પ્રશ્નોની પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમ કે, સાતમા પગારપંચના હપ્તા રોકડમાં ચુકવવા, બે વર્ગની શાળામાં ચાર શિક્ષકો, વર્ધિત પેન્શન યોજના અંતર્ગત નિવૃત્ત થતા કર્મચારીને 300 રજાનું રોકડ રુપાંતક, એન્ટ્રી લેવલ પે સ્કેલ વગેરે પ્રશ્નોનો ઉકેલ નાણાં વિભાગ સાથે સંકલન કરીને વહેલી તકે લાવવા માટે શિક્ષણ વિભાગ સક્રિય પ્રયત્ન કરશે તેવી ખાતરી આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.

Subscribe Now