વિદ્યાર્થીઓએ નેટ અને પીએચડી પાસ કર્યા પછી પણ જોબની કોઈ ગેરેન્ટી નથી

આજથી લગભગ ૩૦-૪૦ વર્ષ પહેલા માસ્ટર કર્યા પછી તુરંત વિદ્યાર્થીઓને શિક્ષક તરીકેની નોકરી મળી જતી હતી જ્યારે અત્યારે પીએચડી, અનેક રિસર્ચ પેપર તૈયાર કરીને નેટની પરીક્ષા પાસ કરો તોપણ જોબ મળે તેની કોઈ ગેરેન્ટી નથી. એટલે વિદ્યાર્થીઓ શિક્ષક બનવાનું છોડીને બીજા પ્રોફેસનમાં જોડાઈ રહ્યા છે, તેમ પદ્મશ્રી પ્રો.રવિન્દ્રકુમાર સિન્હા, જમ્મુની શ્રી માતા વૈષ્ણવદેવી યુનિ.ના વાઈસ ચાન્સેલરનું કહેવું છે.

નેશનલ એજ્યુકેશન પોલિસીને એક વર્ષ પૂર્ણ થવા પર એમ.એસ.યુનિ.ની ફેકલ્ટી ઓફ એજ્યુકેશન એન્ડ સાયકોલોજી તેમજ ઈન્ટરનલ ક્વોલિટી એસ્યોરન્સ સેલ દ્વારા ‘એજ્યુકેશનની ગુણવત્તા અને શિક્ષકોનો વિકાસ’ વિશે વેબિનાર યોજાયો હતો. જેમાં પ્રો.સિન્હાએ કહ્યું કે આપણા સમાજની વાસ્તવિક્તા એ છે કે ખૂબ જ ઓછા વાલીઓ પોતાના બાળકો મોટા થઈને શિક્ષક બને તેવું ઈચ્છે છે જો કે તેની સામે તેઓ બાળકો માટે તો ઉત્તમ શિક્ષકની જ અપેક્ષા રાખે છે. શ્રેષ્ઠ શિક્ષક બનવા માટે કોમ્યુનિકેશન સ્કીલ ખૂબ જ આવશ્યક છે.

આ સ્કીલના અભાવે ઘણા ડોક્ટરની ડિગ્રી મેળવેલ પણ ઉત્તમ શિક્ષક બની શક્તા નથી. શાળા, કોલેજ કે યુનિ.માં શિક્ષકોની પસંદગી માત્ર ઈન્ટરવ્યુ લઈને નહીં પરંતુ તેમને અડધા કલાકનો ક્લાસ લેવા દેવો જોઈએ જેના પરથી તેની કોમ્યુનિકેશન સ્કીલ, વિષયનું જ્ઞાાન, ભણાવવાની પધ્ધતિ જોઈને શિક્ષકની પસંદગી કરવી જોઈએ. એક કલાકના લેક્ચર માટે શિક્ષકનો ત્રણ કલાકનો અભ્યાસ હોવો જરુરી છે જેથી તે ક્લાસરુમમાં નાટક, ડિબેટ, ગુ્રપ ડિસ્કશન અને પ્રેઝન્ટેશનના માધ્યમથી રસપ્રદ રીતે ભણાવી શકે.

૧૩૯ કરોડની વસ્તીમાં ૨૨ ટકા લોકોને પોતાનું નામ લખતા નથી આવડતું

ચેન્નઈની તમિલનાડુ ટીચર્સ એજ્યુકેશન યુનિ.ના વાઈસ ચાન્સેલર પ્રો.એન.પંચનાથમે કહ્યું કે ભારતમાં ૧૩૯ કરોડ વસ્તી છે જેમાંથી ૨૨ ટકા લોકોને પોતાનું નામ લખતા પણ આવડતું નથી. દેશમાં ક્વોન્ટિટી નહીં પણ ક્વોલિટી એજ્યુકેશનની જરુર છે. યુવાનોના દેશ કહેવાતા ભારતમાં રિસર્ચ કરનારા ૪ ટકાથી પણ ઓછા વિદ્યાર્થીઓ છે જ્યારે રિસર્ચની પેટન્ટ ફાઈલ તો ૦.૩ ટકાથી પણ ઓછી છે. જો રિસર્ચ ક્ષેત્રે નાણા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રતિભાશાળી શિક્ષકો મુકવામાં આવે તો આ ટકાવારી વધારી શકાશે.

Leave a Reply

Your email address will not be published.

Subscribe Now