સુરત મ્યુનિ. વિસ્તારની શાળાઓમાં બે દિવસમાં ત્રણ વિદ્યાર્થીઓના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ વાલી- વિદ્યાર્થીઓ ગભરાતા શાળામાં હાજરી ઘટી રહી છે. વિદ્યાર્થીઓ પોઝીટીવ આવતાં મ્યુનિ. તંત્રએ ટેસ્ટીંગ પર વધુ ભાર મુક્યો છે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓને શરદી-ખાંસી કે તાવ જેવા લક્ષણ હોય તે વિદ્યાર્થીઓને શાળાએ નહીં મોકલવા અપીલ પણ કરવામાં આવી છે.
કોરોના સંક્રમણ ઘટવા સાથે સુરત સહિત અન્ય શહેરોમાં ધો. 9થી 12ના પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થઈ ગયાં છે. પરંતુ આ વિદ્યાર્થીઓની ઉંમર 18 વર્ષ કરતાં ઓછી હોય તેઓને વેક્સીન આપી શકાય તેમ નથી. જેના કારણે સ્કુલો થકી સંક્રમણ નહી વધે તે માટે પાલિકા તંત્રએ સ્કુલોમાં ટેસ્ટીંગ પર ભાર મુકી રહી છે. સ્કુલ શરૂ થઈ ત્યારથી ગઈકાલ સુધીમાં સુરત મ્યુનિ.ના આરોગ્ય વિભાગ દ્વારા 22 હજારથી વધુ વિદ્યાર્થીઓના ટેસ્ટ કરી ચુકી છે. શરૂઆતના દિવસોમાં ટેસ્ટમાં કોઈ પોઝીટીવ આવતું ન હોવાથી પાલિકા તંત્ર અને વાલીઓની ચિંતા ઘટી હતી. પરતુ મંગળવારે ઉધનાની શાળામાં એક અને બુધવારે કતારગામ ઝોનની એક શાળાની બે વિદ્યાર્થીનીઓ પોઝીટીવ આવતાં તંત્ર ચોંકી ઉઠયું છે.
સ્કુલોમાં વિદ્યાર્થીઓ પોઝીટીવ હોય તો વેક્સીનેશન થયું હોય અને નિયમોનું પણ ચુસ્તપણે પાલન ન થતું હોય સંક્રમણ વધી શકે તેવી ભીતી છે. આ ભીતીના કારણે વિદ્યાર્થીઓ પોઝીટીવ આવતાં શાળામાં હાજરીનું પ્રમાણ પણ ઘટયું છે. જેના કારણે પાલિકા તંત્રએ વાલીઓને અપીલ કરી છે કે જે વિદ્યાર્થીઓને શરદી, ખાંસી કે તાવના કોઈ લક્ષણ હોય તે વિદ્યાર્થીઓને સ્કુલે મોકલવા નહીં. જોકે, પાલિકાની આ જાહેરાત પહેલાં જ ગભરાયેલા કેટલાક વાલીઓએ વિદ્યાર્થીઓને સ્કુલમાં મોકલવાનું બંધ કરી દેતા હાજરી ઘટી રહી છે.
સ્કુલોમા તો સોશ્યલ ડિસ્ટન્સનું પાલન થઈ રહ્યું છે પરતુ સ્કુલ છુટયા બાદ વિદ્યાર્થીઓ ભેગા થતા હોય છે અને માસ્ક પણ પહેરતાં ન હોવાથી સંક્રમણ વધી રહ્યું છે તે પાલિાક તંત્ર અને વાલીઓ સાથે સાથે સ્કુલો માટે પણ ચિંતાનો વિષય બની ગયો છે.